Samavartan Sanskar

English
News Type: 

સમાવર્તન સંસ્કાર

ભારતીય શાસ્ત્ર પરંપરા પ્રમાણે માનવ જીવનમાં ૧૬ સંસ્કારોનું ખૂબજ મહત્વ છે. સંસ્કારોથી જ જીવન શોભાયમાન બને છે અને સંસ્કારો જ જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે. જે વિદ્યાર્થી શાસ્ત્રાધ્યયન માટે પ્રવેશ પામે છે તે પોતાનો અભ્યાસકાળ પૂર્ણ કરીને સમાજ સેવાના કાર્યમાં જોડાય છે ત્યારે તેણે પ્રાપ્ત કરેલી વિદ્યાને સમાજ માટે અર્પણ કરવાની હોય છે. પોતાના જીવન દ્વારા સમાજને ઉપયોગી થવું એ જ એની વિદ્યાપ્રાપ્તિની સિદ્ધિ છે. એટલે જ તેણે જે વિદ્યા પ્રાપ્ત કરી છે તેનું સમ્યક્‌ આવર્તન કરવા માટે સમાવર્તન સંસ્કારનો વિધિ કરવામાં આવે છે. તા. ૧૩ માર્ચ, ૨૦૧૭ના રોજ દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા શાસ્ત્રી કક્ષાના ઋષિકુમારોના સમાવર્તન સંસ્કારની ઉત્સાહભેર ઉજવણી થઇ. પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની દિવ્ય ઉપસ્થિતિમાં તેમજ સંસ્થાના અલગ અલગ વિભાગના સંચાલક પૂજ્ય સંતો અને અન્ય સંતો-ભક્તોના સાન્નિધ્યમાં શ્રી તુલસીદાસ પ્રાર્થના ભવન, દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું. ઋષિકુમારોના માતા-પિતા અને વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય સ્વામીજીએ ઋષિકુમારોને પ્રતીજ્ઞા સ્વરૂપે સમાવર્તન લેવડાવ્યા હતા. ઋષિકુમારોને આ દિવસે ‘ઋષિ’ની પદવીથી વિભૂષિત કરાવાયા. તે સાથે સ્નાતક તરીકેના સર્ટિફીકેટ પણ પૂજ્ય સ્વામીજીના હસ્તે એનાયત થયા. આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા અને ઉજ્જવળ કારકીર્દિ અને જીવનની સફળતા માટે ભગવાન શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના કરી.  પૂજ્ય સદ્‌ગુરુ સંતોએ બધા જ સમાવર્તિત ઋષિકુમોરોનો પુષ્પની પાંખડીઓથી સત્કાર કર્યો અને દરેક ઋષિકુમારના જીવન લક્ષ્ય સંપૂર્ણ સિદ્ધ થાય તે માટે માર્ગદર્શન અને આશીર્વાદ વરસાવ્યા. વાલી શ્રી ભરતભાઈ રાવલે પોતાના હૃદયના ઉદ્‌ગારો વ્યક્ત કર્યા હતા.

Add new comment